Upload Videos

Upload Pictures

Give Feedback

Give Suggestions



સુખમાં ન છકી જઈએ, દુ:ખમાં ન રોઇએ..
જાહી વિધી રાખે રામ.. તાહી વિધી રહીએ..


સાચું બોલવાનું શક્ય જ ન હોય તો
મૌનનું પાલન કરજો, પરંતુ જૂઠું તો ન જ બોલશો.
- નારાયણ બાપુ



કીર્તિ ની ઈચ્છા નહિ, નહિ નીંદા નો ત્રાસ
નારાયણ તહાં સૈદેવ, સુખ શાંતિ નો વાસ.


સૌનું કરો કલ્યાણ.. દયાળુ પ્રભુ..
સૌનું કરો કલ્યાણ..

રામનવમી

શબરીનું પ્રવચન (બાપુજી ના અવાજમાં)

ફ્રી માં મેમ્બર બનો અને નારાયણ પરિવાર સાથે જોડાઓ

------------------------------------------------------------------------

તમારા અનુભવો - ગુજરાતીમાં


પરમ પૂજ્ય પ્રાત: સ્મરણીય બ્રહ્મલીન શ્રી નારાયણ બાપુના જીવનનો અંશ



      અધ્યાત્મનો અનુભવલોક ચિંધનાર પરમ યોગપુરુષ પૂ. નારાયણ બાપુ સૌને માટે પરમ શ્રદ્ધાનું થાનક છે.

      સાધક માટે ગુરૂની શોધ ગૂઢ રહસ્યનો વિષય છે. બ્રહ્મરસ પાનારા ગુરૂની પ્રાપ્તિ થવી એ જીવનનો મહામૂલો અવસર છે. પૂ.નારાયણ બાપુને ગુરૂ રૂપે થયેલી પિતા કાલિદાસ ની પ્રાપ્તિએ જીવન શું? સાધના શું? તપ શું? નો માર્ગ ખોલી આપ્યો. બાળવયથી પિતાએ પરમ બ્રહ્મનું નામ ધરાવતા નારાયણને રામાયણ, ભાગવત અને ગીતા જેવા જગતગ્રંથોનું આલોકન કરાવ્યું. ગૌમાતાઓને જંગલમાં ચરાવતી વેળાએ રામાયણની ચોપાઈઓનું ભાવદશાએ ગાન કરી સમગ્ર પ્રકૃતિ સાથે એકાકાર થઇ જતા નારાયણ ને રામાયણનું કંઠસ્થ નહિ પણ હૃદયસ્થ કરેલું સંસ્કૃતના વિધિસરના જ્ઞાન વિના અટપટા શ્લોકોનું નારાયણના મુખે થતું દેવગાન પોતાના માટે પણ વિસ્મયનો વિષય બની રહેતું. પણ ત્યારે, ત્રીકાળજ્ઞાની એવા ગુરૂપિતા પાસેથી તમામ શંકાઓનું સમાધાન પ્રાપ્ત થતું.

      'સતગુરુ એમ દયા કરી,બ્રહ્મ રસ પાયો છે પ્રાત્યે રે' એમ ગુરૂપિતાએ બાળક નારાયણના મનોજગતમાં ભક્તિરૂપી પંખીણી ને દ્રઢ કરતા ગયા. જ્ઞાન અને વૈરાગ્ય જેવી આ પંખીણીની બે પાંખો બાળ નારાયણના હૃદયમાં વિશાળ આકાર ધારણ કરતી ગઈ. નારાયણને અત્યંત વહાલી એવી 'સરયૂ' વાછરડી પર વાઘે મારેલી તરાપથી શોકમાં વિહવળ બનેલા નારાયણને શોધવા નિકળેલા ગુરૂપિતાએ જ્યારે રામાયણની ચોપાઈઓ ગાઈ પત્ની પાછળ ઘેલા બનેલા તુલસીદાસનો પ્રસંગ કહી સંભળાવ્યો ત્યારે મોહના સઘળા બંધનો દૂર થઇ જતા નારાયણે અનુભવ્યા. સંસારવૃત્તિઓનો નાશ અને વૈરાગ્યવૃત્તિઓની પ્રબળતા હોવા છતાં ગુરૂપિતાએ પુત્ર કરતા અધિક શિષ્ય એવા નારાયણને ગૃહસ્થાશ્રમને પ્રારબ્ધયોગ માનીને સ્વીકારવા આજ્ઞા કરી અને નારાયણે એ આજ્ઞા ને શિર પર ચઢાવી. નિત્ય નિયમ રૂપે ગુરૂપિતાએ નારાયણને જીવનમાં બનનારી મહત્વની ઘટનાઓનો આલેખ એક નોટબુકમાં લખી આપ્યો હતો. ગુરૂપિતાએ આ હદની શોધનો આ રસ્તો ચીંધ્યા પછી, સર્વસ્વ આપી દીધા પછી નારાયણના મનમાં રહેલા સંશયો જડમૂળથી લોપ થયા. ઇચ્છિત સમયે અને સ્થળે ગુરૂપિતાએ પોતાની લીલા સંકેલી લઇ નારાયણને દુન્યવી ખ્યાલોથી મુક્તિ અપાવી. ગુરૂપિતાના આ નિર્વાણની ઘટનાનો સાક્ષાત્કાર પરમપદની પ્રાપ્તિ તરફનો અંગૂલિનિર્દેશ હતો. ગુરૂપિતાનું સમગ્ર કર્મ-વચન અને માર્ગદર્શન નારાયણને સાધના પથના એક એક પગથિયારૂપ બની રહ્યું. અધ્યાત્મક્ષેત્રના અગોચર વિશ્વના દરેક પ્રવેશ વખતે નારાયણ 'ગુરૂ તારો પાર ન પાયો' નો અનુભવ કરતા રહયા.

न देवो विद्यते काष्ठे, पाषाणे न मुल्म्ये
भावे की विद्यतो देवो, तस्मात् भावो कारण : ||


દેવ કાષ્ઠ, પાષાણ કે માટીની મૂર્તિમાં નથી, દેવ તો ભાવનામાં રહેલો છે. માટે ભાવ જ મુખ્ય છે.

      પૂ.નારાયણ બાપુના સમગ્ર જીવનમાં જો સૌથી વધુ ધ્યાન ખેંચતું પરિબળ હોય તો તે ભાવ છે. ભગવદ ભાવનો ચિરંજીવ અનુભવ આ સંતચરિત્રમાં આપણે ક્ષણે ક્ષણે અનુભવી શકીએ છીએ.

      ૧૩ વર્ષના નારાયણ પર કુટુંબના નિર્વાહની સઘળી જવાબદારી આવતા શિવરાજપુર માઈન્સમાં નોકરી સ્વીકારી હતી. ૧૧ વર્ષના કૂમળી વયના પત્ની લક્ષ્મીદેવી અને માતૃશ્રીને ઈંટવાડીમાં જ રહેવા દઈ નારાયણે માઇન્સની આ નોકરીમાં પોતાની સેવાકીય પ્રવૃત્તિઓને કારણે અંગ્રેજ અધિકારીઓનો પણ પ્રેમ સંપાદિત કર્યો હતો. યુવાનીની ઉંમરે પગ માંડવાના સમય સુધી, ૨૦ વર્ષની વય સુધી માઈન્સની નોકરી દ્વારા કુટુંબનું ભરણપોષણ કરતા રહી નારાયણે કુટુંબધર્મ બજાવ્યો ત્યારબાદ ઈંટવાડીમાં દુકાન શરૂ કરી. દુકાનદાર બનેલા નારાયણનો વેપાર તો હરિભજનનો જ ચાલતો હતો. દેશી અને વૈદિક દવાઓ ગરીબ ખેડૂતોને મફત આપી એમની સારવાર કરવી અને દરિદ્ર નારાયણને કેન્દ્રમાં રાખવી એ નારાયણનો જાણે પ્રભુ સાથેનો સત્સંગ હતો. ભક્તિ અને સેવા થકી આસપાસના લોકમાં પણ ભક્તિ-ભાવનો પ્રાદુર્ભાવ થવા લાગ્યો. લોકો આ તેજ પૂંજ સમા નિર્મળ ચિત્તના સંતના સ્પર્શથી વ્યસનમુક્ત થવા લાગ્યા. પૂ.નારાયણ બાપુ જાણે કે આ અંધકારમાં સૂર્ય સમાન હતા. ગૃહસ્થાશ્રમના આ વર્ષો દરમ્યાન સંવત ૧૯૯૦ માં પ્રથમ પુત્રરત્ન વાસુદેવ પછી ૬ સંતાનો લક્ષ્મીજીની કૂખે ઓસર્યા. શીવરામ, કનુભાઈ, જશોદાબહેન, કમળાબહેન, શાંતાબહેન કોકીલાબહેન. આ સમયગાળામાં પણ અધ્યાત્મનો પંચ નારાયણના હૈયેથી વિસરાયો ન હતો. ભગવદ પ્રાપ્તિની ઝંખના ઉત્તરોત્તર વધતી જઈને ભાવસબલતામાં પરિણમતી હતી. નિત્ય ધ્યાન અને પ્રાર્થના સાથે ગુરૂપિતાએ ચિંધેલા નિત્યનિયમનું કઠોર પાલન થકી આધ્યાત્મિક ભૂમિકા ઘડતર પામતા પામતા સમાધિ દશા સુધી પહોંચી હતી.

       સમગ્ર ભારતના પ્રસિદ્ધ તીર્થોનું વારંવારનું એકાકી પરિભ્રમણ અને તીર્થોની યાત્રા વખતની ભાવવિહવળ દશા નારાયણના સાધના પથના જ એક ભાગ રૂપ છે. આ તીર્થોની ભૌતિકતા નહિ પણ ચૈતન્યના સાક્ષાત્કારની અનુભૂતિ યાત્રાની ફળશ્રુતિ છે. વચ્ચેના ગાળામાં ૩૪ વર્ષની ઉંમરે કાપડનો વેપાર કરવા મુંબઈ ગયેલા નારાયણે એકાદ વર્ષ માંડ ત્યાં વિતાવ્યું કેમ કે મન હવે સાધના પ્રતિ ખેંચાતું હતું. મુંબઈમાં થતી ઘોડાઓની રેસનું પરિણામ અગમ્ય ચિત્તથી બતાવી શકનાર નારાયણને પોતાની આંતરિક શક્તિઓ આવા સ્થૂળ કાર્યોમાં વ્યય કરવી નહોતી.

      ગિરનાર, હરિદ્વાર, ગંગોત્રી-જમનોત્રી અને અમરનાથ જેવા સિદ્ધ ક્ષેત્રોમાં પૂર્વાશ્રમમાં જ પાંચથી છ વાર ચતુર્માસમાં પૂ.બાપુએ તીર્થાટન કર્યું હતું. ત્યાં થયેલા ગૂઢ અનુભવોની અનુભૂતિએ નારાયણને સાધના પથમાં દ્રઢ થવા અનાશક્તિ તરફ પ્રેર્યા. આ અનુભવો 'અનિવ આનંદ' સમા હતા. જે સામાન્ય જનને સમજાવવા - ઓળખવા અતિદુષ્કર છે. સામાન્ય સમાજ એને ચમત્કાર ગણીને સંતોષ માની લે છે. પરંતુ આ અસામાન્ય અનુભવો-અનુભૂતિઓ અલૌકિક અને દીવ્યતારૂપ છે અને એને સમજવી સામાન્ય જનની બુદ્ધિમર્યાદા બહાર છે.

      હરિદ્વાર કે નર્મદા કાંઠે જઈ સાધનામાં રત રેહવાની મહેચ્છા પ્રગટ કરનાર પૂ.નારાયણ બાપુએ ઈ.સ.૧૯૫૦ ના અરસામાં તાજપુરાની પાસે વડોની ઘટામાં ગીચ ઝાડી અને નિરવ શાંતિની અનુભૂતિ કરીને એ તપોભૂમિ પસંદગીનો સંકેત આપેલો. એ સંકેત ચરિતાર્થ થતા ભવ્ય અને રમ્ય એવા પ્રાકૃતિક પરિસરમાં સદભાગી તાજપુરા જે પાવાગઢ કે જ્યાં કાળકામની શક્તિપીઠ આવેલી છે તેની તળેટીની સમીપ આજે નારાયણધામ પ્રતિષ્ઠિત છે.

      આ ભૂમિ પૂ.નારાયણ બાપુના તપ અને સાધનાથી સ્વયં પ્રકાશિત તેમજ પ્રભાવિત છે. તાજપુરાના નારાયણધામનો સ્વયંભૂ થતો રહેલો વિકાસ અધ્યાત્મના સોપાનનો વિકાસ છે.

      આ ભૂમિમાં પગલું મૂકશો તો શાંતિ પામશો, પવિત્રતાનો સ્પર્શ પામશો. સંતોષનો સહજોદગાર એટલે નારાયણધામ.

જય નારાયણ


પરમ પૂજ્ય બાપુજીના સ્વમુખે આલેખાયેલી - પ્રશ્નોત્તરી

Also Visit this pages : ગૌશાળા...  |   સત્સંગ...  |   સદાવ્રત...  |  


* * * Website open for all since : 1/1/11 11:11am * * *


Its our try to make one unit of Narayan Parivar. For that Register here


* * * Keep visiting the website for new updates * * *



ફ્રી માં મેમ્બર બનો અને નારાયણ પરિવાર સાથે જોડાઓ.
Number of visits :

Give feedback | Give suggestion | Ashram Calendar | Tajpura Map